અમદાવાદી થઈ જાઓ સાવધાન, તમારી એક ભૂલ તમારું ખિસ્સું કરી શકે છે ખાલી

0

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી તા.16 ના સોમવારથી અમલ થવાનો છે. પરંતુ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે.

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જંગી દંડની જોગવાઈ સામે લોકો સોશિયલ મીડિયા પર સરકારની મજાક ઉડાવવાની સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી તા.16 ના સોમવારથી અમલ થવાનો છે.

પરંતુ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી હોવાના કારણે આજથી પોલીસ અને પ્રજા વચ્ચે ઠેર ઠેર ઘર્ષણ સર્જાવાની પૂરી શક્યતા છે. કાયદા પાલન માટે ટૂંકી સમયમર્યાદા આપી હોવાના કારણે લોકો કામધંધા પડતા મૂકીને વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ ભેગા કરવામાં લાગી ગયા છે. પીયુસીથી માંડી હેલ્મેટમાં વધુ પૈસા પડાવાઈ રહ્યા છે.

લોકો લૂંટાઈ રહ્યા છે છતાં સરકાર મૂકપ્રેક્ષક બની છે. પહેલાં ડોક્યુમેન્ટ ભેગા કરવામાં લૂંટાયા હવે કાલથી ડોક્યુમેન્ટ નહીં હોય તો દંડ ભરીને લોકો લૂંટાશે. વાહનની રજિસ્ટ્રેશન બુક મેળવવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. લાઇસન્સ માટે લોકોએ અરજી કરવા ધસારો કર્યો તો સર્વર ડાઉન થઈ ગયા. રૂબરૂ આરટીઓ પર જાય તો લાંબી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે.

હેલ્મેટ ખરીદવા જાય તો આઈએસઆઈ માર્કાની હેલ્મેટ મળતી નથી. ત્યાં પણ વેપારીઓ નિયત કિંમત કરતા વધુ ભાવ વસૂલી રહ્યા છે. રસ્તા પર લારીમાં વેચાતી હેલ્મેટ તકલાદી હોવા છતાં ત્યાં પણ વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. વાહનનો વીમો ઉતારવા જાય તો પીયુસી વગર વીમો ઊતરતો નથી. પીયુસી લેવા જાય તો લાંબી લાઈન છે.

મતલબ વ્યક્તિને પીયુસી પણ મળતું નથી અને વીમો પણ ઊતરતો નથી. અચાનક જ વાહન સંબંધિત ડોક્યુમેન્ટની બજારમાં તેજી આવી ગઈ છે. લૂંટફાટ મચી છે. સરકાર જુવે છે પણ પ્રજાને રાહત આપવાના એક પણ પગલાં જાહેરાત કરતી નથી.

મોંઘવારી અને મંદીના મારથી પીસાતી પ્રજા પર ટ્રાફિક દંડના નામે સરકારે વધુ એક ડામ આપ્યો છે. ગુનાખોરી અટકાવવા પોલીસ ઊતરી પડતી નથી પરંતુ આવતીકાલે ટ્રાફિકના નવા કાયદાના અમલ માટે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ રસ્તા પર ઊતરી પડશે, આ કેવી વિટંબણા છે ?

ત્રણ વર્ષથી મોટું બાળક હશે તો ત્રિપલ સવારીનો દંડ

ટ્રાફિક ના નવા નિયમ મુજબ જો ત્રણ વર્ષથી મોટું બાળક હશે તો ટ્રિપલ સવારીનો દંડ ચૂકવવો પડશે.ટ્રાફિકના નવા નિયમનો આવતીકાલથી અમલવારી શરૂ થવાની છે. ત્રિપલસવારી અંગે ટ્રાફિક ડીસીપી અને ટ્રાફિક એસીપીએ જુદા જુદા અભિપ્રાય આપ્યા હતા.

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે માતા-પિતા સાથે બાળક ટુ વ્હીલર પર જશે તો તેને માનવીય અભિગમ અપનાવીને ત્રિપલ સવારી ગણાશે નહીં. જ્યારે ટ્રાફિક એસીપી આકાશ પટેલે કહ્યું હતું કે ૩ વર્ષથી ઉપરના બાળક હશે તેને ત્રિપલ સવારી તરીકે ગણવામાં આવશે.

આર.સી.બુક આવતા બે માસથી વધુ સમય લાગે છે

આરટીઓ અધિકારીના કહેવા મુજબ નવા વાહનની આરસીબુક માત્ર પંદર દિવસમાં આવે છે. પરંતુ સત્ય હકીક્ત કંઇક અલગ જ છે. નવા વાહનની આર.સી.બુક એકથી બે માસ કરતા પણ મોડી આવે છે. તેથી વાહનચાલક વાહન લઇને નીકળે એટલે પોલીસ તેને શિકારની જેમ ઝડપી દંડ કરતા હોય છે.

નવા નિયમો ૧૬મીથી લાગુ થઈ રહ્યાં છે ત્યારે આર.સી.બુક ના હોય તો શું થશે ? તે અંગે શહેરના વાહનચાલકોએ આજે રજાનો દિવસ હોવા છતાં પણ આરટીઓ અધિકારી અને ટ્રાફિક પોલીસને ફોનથી પૂછપરછ કરી હતી.

આઠ લાખ વાહનોમાં HSRP પ્લેટ લગાવવાની બાકી

જો કોઈ પણ બાઇક HSRP વગરનું હશે તો તેમને દંડ વસુલવો પડશે.અમદાવાદ શહેરમાં 1996 થી અત્યાર સુધીમાં 41  લાખ 90 હજાર વાહનો આરટીઓમાં રજિસ્ટર થયા છે. આરટીઓએ અમદાવાદમાં 16 લાખ 78 હજાર વાહનોમાં HSRP પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુ. જેમાંથી અત્યાર સુધી માત્ર 8.70 લાખ જેટલા વાહનોમાં HSRP પ્લેટ લગાવવામાં આવી છે.

બાકીના 8 લાખ જેટલા વાહનોમાં HSRP પ્લેટ બાકી છે. આરટીઓમાં ટુ વ્હીલરમાં HSRP નંબર પ્લેટ લગાવવાના રૂ.140 લેવામાં આવે છે. બહાર એજન્ટો રૂ.400 થી 900 લઈને બીજા ત્રીજા દિવસે લગાવી આપે છે. આરટીઓ કચેરીમાં જો HSRP નંબર માટે સીધા નાણાં ભર્યા હોય તો પંદરથી વીસ દિવસ લાગે છે. HSRP પ્લેટ માટે રજિસ્ટ્રેશન કરવા માટેનો અપૂરતો સ્ટાફ અને HSRP નંબર પ્લેટ નહિવત્ હોવાનું જાણવા મળે છે.

ISI માર્કાની ડુપ્લિકેટ હેલ્મેટના કાળા બજાર

ટ્રાફિકના નવા નિયમ કેન્દ્ર સરકારે આજથી અમલમાં મૂકી દીધા છે. જો આ નવા નિયમનું પાલન નહીં કરે તો તેમને ભારે દંડ વશુંલાવો પડશે. ટ્રાફિક નિયમનમાં હેલ્મેટના કાયદાનો આવતીકાલ 16 મી સપ્ટેમ્બરથી અમલ શરૂ થશે ત્યારે બજારમાં વાહનચાલકો હેલ્મેટ ખરીદવા ઊમટી પડયા હતા. જેમાં ISI માર્કાની સાદી હેલ્મેટ ખાલી થઈ ગઈ છે.

જ્યારે મોંઘી રૂ.1400 થી 2500 સુધી વેચાણ થઈ રહી છે. ડુપ્લિકેટ ISI માર્કાની હેલ્મેટ રૂ. 600 થી 1200 માં વેચાઈ થઈ રહી છે. સાદી હેલ્મેટ રૂ.200 માં હેલ્મેટ વેચાઈ રહી હતી. જો કે, મોટાભાગના લોકો હેલ્મેટ ચોરાઈ જવાના ડરથી ડુપ્લિકેટ ISI માર્કાની ખરીદી કરતા હતા.

7 વર્ષમાં ટ્રાફિક પોલીસે રૂ.183 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ શહેરમાં છેલ્લા 7 વર્ષમાં એટલે કે 30 મી જૂન ૨૦૧૨થી ૨૦૧૯ સુધીમાં વાહન ચાલકોને ટ્રાફિક ભંગના અધધ ૧૪ લાખ મેમા ફટકારીને રૂ.183 કરોડનો જંગી દંડ વસૂલાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવેલા દંડમાં સીસીટીવી ઈ-ચલણનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વાહનચાલકો પાસેથી જંગી દંડ વસૂલવા છતાં પણ લોકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવતા નથી.

પોલીસને ધક્કો મારી, મેમો બુક લઈ બે શખ્સો નાસ્યા

હજુ તો ટ્રાફિકના નવા નિયમોની શરૂઆત થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યાં લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસની મેમો બુક લઇ બાઇકસવાર બે શખસો નાસી ગયાનો વિચિત્ર કિસ્સો બન્યો હતો. ટ્રાફિક પોલીસને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા.

અન્ય પોલીસકર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખસે મેમો બુક ફેંકી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. જોકે ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું.  લાલ દરવાજા જૂની મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ત્યારે બાઇક પર સવાર બે શખસોએ હેલ્મેટ પહેર્યું ન હતુ. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. બંને શખસો બાઇક પર બેઠા હતા અને મેમોમાં સહી કરવા માટે મેમો બુક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બુક આંચકી બાઇક ભગાવ્યું હતુ. મેમો બુક લેતી વખતે પોલીસકર્મીને પાછળ બેઠેલા શખસે ધક્કો મારી દીધો હતો.

આ જોઇ અમુક પોલીસ કર્મીઓ તેને પકડવા દોડયા અને પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બંને શખસોએ મેમો બુક રસ્તામાં નાખી ભાગી ગયા હતા. પીઆઇએ જણાવ્યું હતુ કે, પોલીસકર્મીને બાઇકચાલકે ધક્કો માર્યો હતો તેથી તેને પકડવા માટે કર્મીઓ પાછળ દોડયા હતા.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here