ગુજરાત ને ગાંધીવાદી વિકાસ મોડલની જરૂર છે : સામ પિત્રોડા

0

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ ભાજપ દ્વારા જેનો પ્રચાર થઈ રહ્યો છે તે વિકાસના ગુજરાત મોડલ ભૂલભરેલો હોવાનું જણાવ્યું છે. તેમણે Gujarat ને ગાંધીવાદી વિકાસ મોડલની જરૂર છે તે બાબત પર ભાર મુક્યો હતો. સ્વ. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૧૯૮૦ના દાયકામાં દેશમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે રાજ્યને તળિયેથી ઉપર જાય (બોટમ – અપ) તે રીતના વિકાસ અભિગમની જરૂર છે. ગરીબો અને હાંસિયામાં જીવી રહેલા લોકોને ભોગે મોટા કોર્પોરેટ ગૃહોની તરફેણ કરી રહેલા ટોચ પરથી નીચે તરફ( ટોપ- ડાઉન મેથડ) આવી રહેલા વિકાસ મોડલની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે ગુજરાતને ગાંધીવાદી વિકાસ મોડલની જરૂર છે કે જેને રોકાણ સમિટોમાં કેટલા કરોડનું રોકાણ લાવવામાં સફળતા મળી તેની સાથે નિસ્બત નથી. તેનો અર્થ એ નહીં કે મોટા કોર્પોરેટ ગૃહની અવગણના કરવી. પરંતુ રાજ્યમાં ગરીબો માટે કેટલું કામ થાય છે તે આધારે પરિવર્તન લાવી શકાય. એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં સામ પિત્રોડાએ આ મુજબ જણાવ્યું હતું.સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે જીડીપી વૃદ્ધિદર જેવી પરિભાષા સારી લાગે છે. પરંતુ સામાન્ય ગુજરાતીઓના જીવન સુધી તે વૃદ્ધિદરની અસર પહોંચે છે? આ પ્રશ્ન ઉઠાવતાં સામ પિત્રોડાએ તળિયેથી ઉપર તરફ જતા વિકાસની તરફદારી કરી હતી. તેમણે કહ્યું હતું કે ગરીબો અને તવંગરો વચ્ચેની ખાઈ વધી હોવાના સંજોગોમાં રાજ્યને નવા પ્રકારના વિકાસની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here