સરકાર મારી કિડની ફેઇલ કરવા ખોટા ઇન્જેક્શનો આપી રહી છે: હાર્દિક પટેલ

0

‘પાટીદારોને અનામત આપો, ખેડૂતોના દેવા માફ કરો’ની માગણી સાથે હાર્દિકે આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે ગુરુવારે અન્ન બાદ હવે પીવાના પાણીનો પણ ત્યાગ કર્યો છે. બુધવારની સરખામણીએ ગુરુવારે હાર્દિકનું વજન ૬૦૦ ગ્રામ ઘટયું છે, બોલવામાં તકલીફ થઈ રહી છે, મોટા ભાગનો સમય સૂવામાં કાઢી રહ્યો છે. ડોક્ટરોના મતે શ્વાસ, હૃદય, મગજમાં તકલીફ થઈ શકે છે. હાર્દિક હવે બ્લડ અને યુરિન સેમ્પલ પણ નહિ આપે.

ચોંકાવનારી વાત એ છે કે, સોલા સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીના રિપોર્ટના કાઉન્ટમાં તફાવત છે, હાર્દિકના સિવિલના આરબીસી કાઉન્ટ ૧૧૨ તો ખાનગી લેબના ૪૭ બતાવે છે. હાર્દિકે આક્ષેપ કર્યો છે કે, સરકાર ખોટા ઈન્જેક્શનો આપી મારી કિડની ફેલ કરવાની કોશિશ કરી રહી છે. સોલા સિવિલ તરફથી રિપોર્ટ અપાતાં ન હોવાથી ખાનગીમાં ચેક કરાવ્યું છે. ગ્રીનવૂડ રિસોર્ટની બહાર પોલીસનો જંગી કાફલો તૈનાત છે તેમ છતાં છઠ્ઠા દિવસે છત્રપતિ નિવાસમાં અનામત, ખેડૂતો સહિતના મુદ્દે વિવિધ માગ કરતાં પોસ્ટરો લાગી ગયા છે. હાર્દિકને મળવા તેના દાદા આવ્યા હતા પાટીદાર આંદોલનને સમર્થન આપવા આવેલા લોકો પોલીસની દાદાગીરીનો ભોગ બન્યા હતા.

છઠ્ઠા દિવસે છ યુવાનોનું મુંડન, વાળ સરકારને મોકલાશે

ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિક સહિત છ જણાએ મુંડન કરાવ્યું હતું. હાર્દિકે વાળ ઝીણા કરાવ્યા છે. દર રોજ એક યુવાન મુંડન કરશે. ભગવાન ભાજપ સરકારને સદ્બુદ્ધિ આપે તેવા સંદેશા સાથે આ વાળ સરકારને મોકલાશે

હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારએ ગામે-ગામે ઉપવાસ શરૂ કર્યા છે.

સુરતના કામરેજમાં પાસ કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા

હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસના સમર્થનમાં સુરતના કામરેજમાં પાસ કાર્યકરોએ પ્રતિક ધરણા કર્યા. સમર્થકોએ આખો દિવસ કામકાજથી અળગા રહીને હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે અને સરકાર સામે રામધૂન કરીને સુત્રોચ્ચાર કર્યા. દ્વારકા જિલ્લાના સઈ દેવળીયા ગામમાં 300થી વધારે લોકો તેમજ જીલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપવાસ પર બેઠા. જામ-જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિત જીલ્લા પંચાયતના મેરગ ચાવડા અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપવાસ છાવણીમાં બેસીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે. બોટાદના પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તો સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્દિકને સમર્થન આપવા માટે પાટીદાર ગામડાઓમાં રામધુન કરી હતી. પ્રાંતિજના સોનાસણ ગામમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં રામધુન કરી હતી.

બોટાદમાં પાસ દ્વારા આવેદન

હાર્દિક પટેલના અમરાણાત ઉપવાસના સમર્થનમાં બોટાદના પાટીદાર અનામત આંદોલન સમિતિ અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. પાસના આગેવાનોનો આક્ષેપ છે કે, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં કોઈને જવા દેવામાં આવતા નથી. જેથી સરકારના વિરોધમાં આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પાસ દ્વારા આપવામાં આવેલા આવેદન દરમ્યાન પાસના આગેવાન સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા.

અમદાવાદમાં પડધરી પાસ દ્વારા આવેદન

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે પડધરી પાસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ. પાસના આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનને સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદન આપવામાં આવ્યુ છે. પાસ આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોનુ દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માંગ કરી હતી.

હાર્દિકને સમર્થન આપવા પાટીદાર ગામડાઓમાં રામધૂનનો કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં પણ હાર્દિકને સમર્થન આપવા માટે પાટીદાર ગામડાઓમાં રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પ્રાંતિજના સોનાસણ ગામમાં પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં રામધુન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રામધુન ખેડુતોની દેવામાફી અને અનામતની માંગ સાથે યોજાઈ છે અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો યોજવાનું પાસ કન્વીનરો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

ભેસાણ પાટીદાર સમાજ હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં

હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં ભેસાણ પાટીદાર સમાજ સામે આવ્યો છે. તેમણે કલેકટરને આવેદન આપ્યું હતું. રાજ્યપાલને સંબોધિત પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પટેલ સમાજના લગભગ 90 ટકા જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે રાજ્યની તત્કાલીન સરકાર તેમના દેવા માફ નથી કરી રહી અને પાટીદાર યુવાનોને પણ અન્યાય કરી રહીં છે. યુવાનો પર ખોટા રાજદ્રોહના કેસ કરી પરેશાન કરી રહી છે તેવી પ્રવૃતિ બંધ કરવા સહિત પાટીદાર યુવાનો પર અનામત આંદોલન દરમ્યાન કરાયેલા કેસ પણ પાછા ખેંચવા જોઇએ.

દ્વારકાના સઈ દેવળીયામાં પાટીદારોએ શરૂ કર્યા ઉપવાસ

અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાઓ પર પાટીદારો દ્વારા ઉપવાસ શરૂ કરાયા છે. જેમાં દ્વારકા જિલ્લાના પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. સઈ દેવળીયા ગામના પાટીદારો અનામત અને ખેડુતો માટે લડતા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે. જેમાં 300થી વધારે પાટીદાર સમાજના લોકો તેમજ જીલ્લા કોંગ્રેસના આગેવાન ઉપવાસ કરી રહ્યા છે. જેમાં જામ-જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા સહિત જીલ્લા પંચાયતના મેરગ ચાવડા અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપવાસ છાવણીમાં બેસીને હાર્દિકને સમર્થન આપી રહ્યા છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here