કેવી રીતે શાંતિલાલ પટેલ બન્યા પ્રમુખ સ્વામી મહારાજ, આજે છે તેમની બીજી પુણ્યતિથિ

0

2 વર્ષ પહેલા બ્રહ્મ.સ્વ.પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016 ના રોજ સાંજે દેહ ત્યાગ કર્યો. 17 ઓગસ્ટ 2016 ના રોજ પ્રમુખસ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા હતા. આજે તેમની બીજી પુણ્યતિથિ છે. પ્રમુખ સ્વામી મહારાજે આજના જ દિવસે 2016 માં સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા.

સાધુ થવા આવી જાઓ

રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી.. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ” શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી…એ દિવસ હતો 7/11/1939. 22-11-1939 ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.

અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ

પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.

સારંગપુર મંદિરમાં કોઠારી તરીકે નિમાયા

BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા તેમણે ઈ.સ. 1946-માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા. અધ્યાત્મની કેડી અળપાતી ગઈ, ગુરુની કૃપા નારાયણ સ્વરૂપદાસજીમાં ઉતરતી ગઈ. શાસ્ત્રી સ્વામી મહારાજની અંતરની આંખોએ અંદેશ આપી દીધો હતો કે ખરેખર આ નારાયણ સ્વરૂપદાસજી નારાયણ સ્વરૂપ છે અને તેમાં જનજનને જગ્દિશ બનાવવાની ધગશ છે. બીજી બાજુ નારાયણ સ્વરૂપજી તો ગુરુની આજ્ઞાને સર્વોપરિ માની અને ધર્મના પ્રસાર અર્થે વિચરણ કરતાં કરતાં લોકસેવામાં જોડાતા ગયા.

BAPS ના પ્રમુખ પદે નિયુક્ત થયા

શાસ્ત્રીજી મહારાજનો એક વિચાર BAPS શાખા માટે નહીં પણ જગતભર માટે એક નવો આયામ ઉભો કરનાર નીકળશે, તે તો ભવિષ્યના ગર્ભમાં રહેનારી ઘટના હતી. પણ 21-05-1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે કદાચ એવા ભવ્યોદાત્ત ભવિષ્યને જોઈને જ આ નારાયણસ્વરૂપદાસજી મહારાજને BAPSના પ્રમુખ પદે નિયુક્ત કર્યા.

તેમની સાથેના યોગીજી મહારાજની પણ પ્રસન્નતા જોડાયેલી હોવાથી તેમણે પ્રમુખ સ્વામીજી મહારાજનો 48મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. આમ નારાયણ સ્વરૂપદાસજીનું ફરી એક નવું સ્વરૂપ સહજ રીતે જ સામે આવ્યું તે ‘પ્રમુખ સ્વામી મહારાજ’નું. પછી BAPS શાખાના પ્રમુખપદેથી ધાર્મિક, સામાજિક અને આરોગ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાધવામાં પ્રમુખ સ્વામીએ અનેક યોજનાઓ ભગવાન આજ્ઞા માનીને શરૂ કરાવી હતી.

મૂશળધાર વરસાદમાં ગુરૂને મળવા પહોંચ્યા

ગુરુપૂર્ણિમાનો પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો જાણિતો કિસ્સો છે. શાસ્ત્રીજી તેમના નારણ’દાને યાદ કરે છે તેવું માલૂમ થતા જ પ્રમુખ સ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સાળંગપુર પહોંચ્યા હતા. શાસ્ત્રીજી સાળંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ’દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. આ વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે.

શાસ્ત્રી મહારાજની દિવ્ય દ્રષ્ટી

પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ નારાયણ સ્વરૂપદાસજી હતું. અમદાવાદમાં આવેલી શાહપુર આંબલીની પોળમાં પ્રાચીન સ્વામીનારાયણ મંદિર જે યજ્ઞપરષ પોળ તરીકે પણ ઓળખાય છે ત્યાં માત્ર 28 વર્ષની વયે 1950ની જેઠ સુદ પાંચમના દિવસે શાસ્ત્રી મહારાજની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને પ્રમુખની પદવી સોંપવામાં આવી હતી. નાની ઉંમરથી જ તેમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ શાસ્ત્રી મહારાજને થઈ હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના પાયા હવે હું પાતાળમાં રોપી રહ્યો છું. તે સમયે ઉપસ્થિત સત્સંગીઓ તેમનો આ ગુઢ રહસ્ય સમજી શક્યા ન હતા.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.