ભારતમાં આવેલા શનિદેવના સૌથી પ્રખ્યાત પાંચ મંદિરો કે જ્યાં શનિદેવની કૃપા અપરંપાર છે.

0

લોકો શનિદેવનો પ્રકોપ વહોરવાની ક્યારેય ગુસ્તાખી નથી કરતા. શનિના પ્રકોપથી ઘણા ખરાબ પરીણામો આવે છે એવું જ્યોતિષશાસ્ત્ર માને છે. પરંતુ, હક્કીકતમાં તો શનિદેવ સૌમ્ય દેવતા જ છે. માણસને પોતાના કર્મોના ફળો જ મળતા હોય છે  કોઈ ખરાબ અનુભવ સ્વરૂપે.

આમ તો ભારતભરમાં શનિદેવના ઘણાં મંદિરો છે. લોકોની આસ્થા એટલાં સ્થાનકો હોવા કોઈ નવાઈની વાત નથી. પણ ભારતભરમાં શનિદેવના સૌથી લોકપ્રિય-પ્રખ્યાત મંદિરો હોય તો એ પાંચ છે, જ્યાં માત્ર સ્થાનિકો જ નહી પણ બહારથી પણ હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આજે જાણી જ લઈએ એ લિસ્ટમાં રહેલાં મંદિરોને. કદાચ પ્રથમ મંદિર વિશે તો બધા જાણતા હશે.

(1) શનિ શિંગણાપુર.

દેવ છે પણ મંદિર નથી, ઘર છે પણ બાર નથી, ઝાડ છે પણ છાયો નથી!  આ ઉક્તિ કંઈક નવાઈ ભરેલી લાગી? મહારાષ્ટ્રના શિંગણાપુરમાં આવેલ શનિદેવના મંદિર સાથે તેને સબંધ છે. શનિદેવના મંદિરોમાં સૌથી પ્રખ્યાત મંદિર હોય આ શનિ શિંગણાપુર. કહેવાય છે કે, શનિદેવનું મુખ્ય જન્મસ્થાન જ આ છે! આથી સ્વાભાવિક રીતે આ મંદિરની ખ્યાતિ માત્ર ભારતમાં નહી, વિદેશોમાં પણ છે. અહીં પાંચ ફૂટ ઊંચી શનિદેવની દુર્લભ મૂર્તિ આવેલી છે. એક રોચક વાત એ પણ છે કે, શનિ શિંગણાપુર ગામના લોકોના ઘરના બારણાને દરવાજો હોતો જ નથી! કોઈની મજાલ નથી કે ઘરમાંથી કાંકરી પણ ઉઠાવી જાય!

(2) શનિચરા મંદિર.

તેત્રાયુગનું હોવાનું મનાતું આ મંદિર મધ્યપ્રદેશના ગ્લાવલિયર પાસેના એન્તી નામક ગામમાં આવેલું છે. મંદિર એક પર્વત પર છે, જેને મુરૈના અથવા શનિપર્વતના નામે ઓળખવામાં આવે છે. મંદિર વિશેની બે માન્યતાઓ ધ્યાન ખેંચે તેવી છે. પહેલી એ કે, અહીંના પર્વત પરથી જ લેવાયેલી શિલા શિંગણાપુરના મંદિરમાં ‘શનિશિલા’ રૂપે સ્થાપિત કરવામાં આવી છે. બીજી માન્યતા એક કથાનક સાથે જોડાયેલી છે કે, રાવણની કેદમાંથી શનિદેવને હનુમાને આઝાદ કર્યા ત્યારબાદ શનિદેવે અહીં વિશ્રામ કર્યો હતો. જ્યોતિષશાસ્ત્રીઓ માને છે કે,આ સ્થાનનો પ્રભાવ વિશેષ છે.

(3) ઇન્દોરનું શનિમંદિર.

મધ્યપ્રદેશમાં આવેલું બીજું શનિદેવનું સૌથી પ્રખ્યાત મંદિર. જૂનાં ઇન્દોરમાં આવેલું આ મંદિર શનિદેવનું સૌથી પ્રાચીનત્તમ મંદિર માનવામાં આવે છે.માન્યતા છે કે,ઇન્દોરના આ મંદિરમાં શનિદેવતા સ્વયં આવેલા.

(4) શનિમંદિર (પ્રતાપગઢ)

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જીલ્લાની વિશ્વનાથગંજ નામની પ્રખ્યાત બજારથી બે કિલોમીટર છેટે કુશફરાના જંગલમાં આ મંદિર આવેલું છે. ‘શનિધામ’ની ખ્યાતિ આ મંદિર ધરાવે છે. અવધ પ્રાંતનું આ એકમાત્ર પૌરાણિક શનિમંદિર હોઈ આ સ્થાનકનું મહત્ત્વ વિશેષ છે. પ્રત્યેક શનિવારે શનિદેવને અહીં ૫૬ પ્રકારના વ્યંજનોનો ભોગ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે, અહીં આવતા જ શ્રધ્ધાભાવી ભક્ત ઉપર ભગવાનની કૃપા વરસે છે.

(5) શનિ તીર્થક્ષેત્ર (દિલ્હી)

શનિભક્તોની આસ્થાનાં કેન્દ્ર સમાન આ મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ અષ્ટધાતુમાંથી બનેલી છે. દિલ્હીના મહરોલીમાં આવેલ આ તીર્થક્ષેત્રમાં શનિદેવની સૌથી મોટી મૂર્તિ વિદ્યમાન છે. શનિદેવ પ્રત્યેની અનન્ય આસ્થા અહીં જોવા મળે છે.

આ થયો ભારતમાં આવેલા શનિદેવના પાંચ વિખ્યાત મંદિરોનો પરિચય. ઉલ્લેખનીય છે કે, આના સિવાય પણ શનિદેવના ઘણાં મંદિરો ભારતભરમાં આવેલા છે. કાળા અડદ, કાળાં વસ્ત્ર, કાળા તલ શનિદેવને અત્યંત પ્રિય છે. શનિવારના દિવસે શનિસ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here