હાર્ટ એટેકથી મરવાને બદલે દેશ માટે મરવાનું પસંદ કરીશ: અન્ના હજારે

0

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની ભૂખ હડતાલનો આજે બીજો દિવસ છે. 23 માર્ચના રોજ પોતાની કેટલીક માંગને લઇને અન્ના સરકાર વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે. તેમણે રામલીલા મેદાનમાં શુક્રવારે અનિશ્ચિત સમયની હડતાલની શરૂઆત કરી છે. અન્નાએ કહ્યું કે તેમણે મોદી સરકારને 43 પત્રો લખ્યા, પરંતુ કોઇ જવાબ ન મળ્યો. મોદી સરકાર સાથે લોકપાલ અને કૃષિ સંકટ પર વાતચીત કરવાના પ્રયાસનું કોઇ પરિણામ આવ્યું નથી. અન્નાએ કહ્યું કે તેઓ હાર્ટ એટેકથી મરી જવાને બદલે દેશ માટે મરવાનું પસંદ કરશે.

અન્નાએ કહ્યું, દેશનો ખેડૂત સંકટમાં છે, કારણકે તેમના તેમના પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને સરકાર યોગ્ય ભાવ નક્કી કરવાની દિશામાં કોઇ કામ નથી કરી રહી. અન્નાની હડતાલનો ઉદ્દેશ કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની નિયુક્તિ, નવા ચૂંટણી સુધારા અને દેશમાં કૃષિ સંકટનો ઉકેલ લાવવા માટે સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા માટે દબાણ કરવાનો છે. તેમણે કહ્યું કે, તેઓ સરકાર સાથે આંદોલન દરમિયાન ચર્ચા કરશે, પરંતુ તેમની આ અનિશ્ચિત સમયની હડતાલ, સરકાર તરફથી કોઇ નક્કર કાર્યયોજના ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

2011માં કેજરીવાલ સાથે કર્યું હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન

અન્નાએ કહ્યું કે કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહ અને મહારાષ્ટ્રના કેટલાક મંત્રીઓએ ગુરુવારે તેમની મુલાકાત કરી અને આશ્વાસન આપ્યું. અન્નાએ વર્ષ 2011માં અરવિંદ કેજરીવાલ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન કર્યું હતું, જેણે ભારતના લોકોની લાગણીઓને અસર કરી હતી. દિલ્હીના રામલીલા મેદાનમાં પોતાના હજારો સમર્થકોને સંબોધન કરીને અન્નાએ કહ્યું હતું, “હું તમારા (મંત્રી) પર વિશ્વાસ નથી કરતો. અત્યાર સુધી તમે કેટલા વચનો પૂરાં કર્યા છે? એકપણ નહીં. એટલે નક્કર કાર્યયોજના સાથે આવો.”

હજારેએ કહ્યું કે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (સીએસીપી)ને યોગ્ય કિંમત નિર્ધારણ માટે સ્વાયત્ત બનાવવા જોઇએ. સીએસીપી 23 પ્રકારના પાક માટે ભાવ નક્કી કરે છે. હાલમાં કેન્દ્ર સરકાર સીએસીપીનું નિયંત્રણ કરે છે અને રાજ્યો દ્વારા સૂચવેલા યોગ્ય ભાવોમાં 30-35 ટકાનો કાપ મૂકે છે. અન્નાએ કહ્યું કે હું હાર્ટ એટેકથી મરવાને બદલે દેશ માટે મરવાનું પસંદ કરીશ.

ગયા મહિને અન્નાએ લોકપાલ બિલને લઇને મોદી પર લગાવ્યો હતો આરોપ

ઉલ્લેખનીય છે કે અન્ના હજારેના 2011ના આંદોલનથી આમ આદમી પાર્ટી (આપ)નો જન્મ થયો હતો, જે અત્યારે દિલ્હીમાં સત્તા પર છે. અન્નાના તે આંદોલને કોંગ્રસની આગેવાની વાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ)ને 2014ની ચૂંટણીમાં મ્હાત આપી હતી. ત્યારબાદ બીજેપી કેન્દ્રમાં સત્તામાં આવી. ગાંધાવાદી અન્નાએ ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રમાં લોકપાલની નિયુક્તિમાં રસ નહીં દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદી ક્યારેય લોકપાલ બાબતે ગંભીર ન હતા. અન્નાએ કહ્યું કે લોકપાલની નિયુક્તિમાં વિલંબનું કારણ એ છે કે વડાપ્રધાનને ડર છે કે એકવાર તેનું મહત્વ વધી જશે તો વડાપ્રધાન ઓફિસ અને તેમના કેબિનેટના સદસ્યો પણ તેના કાર્યક્ષેત્રમાં આવી જશે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here