માત્ર એક છક્કો અને ગેલ રચી દેશે ઇતિહાસ! જાણો વિશ્વકપના આ અદ્ભુત રેકોર્ડ વિશે

0

તારીખ ૩૦ મે, ૨૦૧૯ થી ક્રિકેટનો ૧૨મો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. કુલ દસ ટીમો વચ્ચે રસાકસી થવાની છે. બધી ટીમો ઇંગ્લેન્ડને આંગણે પહોચી ચૂકી છે અને પ્રેક્ટિસ મેચો શરૂ થઈ ગઈ છે.

ત્યારે આજે તમને જણાવવાની છે અમુક રોચક વાતો, જેના કેન્દ્ર સ્થાનમાં વેસ્ટ ઇન્ડીઝનો પ્રખ્યાત બેટ્સમેન અને ‘યુનિવર્સલ બોસ’નું ઉપનામ જેને લોકોએ આપ્યું છે તે ક્રિસ્ટોફર હેન્રી ગેલ છે. ગેલના નામે આ વિશ્વ કપમાં નવો કીર્તિમાન સ્થાપિત થવાનો છે. અહીં જાણી લો શું હશે ગેલનો નવો વિશ્વ રેકોર્ડ:

માત્ર એક છક્કાનું છેટું 

આ ટુર્નામેન્ટમાં રમવાની સાથે ક્રિસ ગેલ પાંચ વર્લ્ડ કપમાં રમનાર વેસ્ટ ઇન્ડીઝનો ત્રીજો ખેલાડી બની જશે. (સૌથી વધુ વિશ્વ કપમાં રમવાનું નસીબ કોને મળ્યું એ આ આર્ટીકલના અંતમાં જણાવ્યું છે.) જો કે, આ કોઈ ખાસ રેકોર્ડ છે નહી અને તેના વિશે ચર્ચા કરવાની પણ નથી.

જે રેકોર્ડ ગેલ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યો છે એ છે, ‘વિશ્વકપમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકોર્ડ!’ ગેલે અત્યાર સુધીના વર્લ્ડ કપમાં કુલ ૩૭ છક્કા માર્યા છે. આ કોઈ પણ ખેલાડી દ્વારા વિશ્વકપમાં મારવામાં આવેલી વધુમાં વધુ સિક્સર છે. પણ આ સ્થાન હાલ ગેલ એકલો નથી ભોગવતો. આટલી જ સિક્સરો સાથે સાઉથ આફ્રિકાનો ધૂરંધર બલ્લેબાજ એબી ડિ’વિલિયર્સ પણ પ્રથમ સ્થાને છે. મતલબ બંનેએ ૩૭ સિક્સરો ફટકારી છે.

હવે ડિ’વિલિયર્સે તો જાણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે એટલે એના નામનો રેકોર્ડ આગળ વધવાની લગભગ(!) સંભાવના છે નહી. પણ ગેલ પાસે મોકો છે. એક સિક્સર ફટકારે એટલે એ ડિ’વિલિયર્સથી આગળ નીકળી જઈને વર્લ્ડ કપમાં સર્વાધિક સિક્સર ફટકારના બેટ્સમેન બની જવાનો!

ગઈ વખતે એક જ મેચમાં જડી દીધા હતા સોળ છક્કા 

ગેલના નામે સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ તો જાણે દર્જ થવાનો લગભગ નક્કી જ છે. પણ સિક્સરની બાબતમાં ગેલનો બીજો પણ રેકોર્ડ છે, કે જ્યાં સુધી પહોંચવું કોઈ પણ બેટ્સમેન માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.

આ રેકોર્ડ છે: વિશ્વ કપની એક જ મેચમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો. ગત ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ગેલ દ્વારા આ રેકોર્ડ ઝિમ્બાબ્વે સામેની મેચમાં નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે ગેલે ૧૬ સિક્સર ફટકારવાની સાથે બસ્સો રન પણ પાર કર્યા હતા!

૧૦૦૦ રન પુરા કરનાર ૧૮મો ખેલાડી પણ બનશે 

આ વિશ્વ કપ ગેલ માટે વધુ એક વિક્રમ લઈને આવવાનો છે. વિશ્વ કપમાં એક હજાર રન અત્યાર સુધીમાં ૧૭ જણે પુરા કર્યા છે. જેમાં આપણો સચિન તેંડુલકર ૨૨૭૮ રન સાથે પ્રથમ નંબર પર છે. જે રેકોર્ડ તોડવો ખાવાના ખેલ છે નહી. ગેલ ૧૦૦૦ રન પૂર્ણ કરવાથી ૫૬ રન દૂર છે. એ પછી તે પણ આ ખેલાડીઓની લિસ્ટમાં શામેલ થઈ જશે.

જાણો વિશ્વ કપના અમુક અદ્ભુત વિક્રમો 

અત્યાર સુધીમાં સચિન તેંડુલકર અને પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ૬ વિશ્વકપમાં ભાગ લીધો છે, જે એક રેકોર્ડ છે.

આયર્લેન્ડના કેવિન ઓ’બ્રાયને ૨૦૧૧માં ઇંગ્લેન્ડ સામે ૫૦ બોલમાં સદી ફટકારી હતી; વિશ્વ કપની સૌથી ઝડપી સદી. જ્યારે સૌથી ઝડપી અડધી સદીમાં નામ ન્યુઝીલેન્ડના બલ્લેબાજ બ્રેન્ડન મેક્કલમનું છે, જેણે ૧૮ બોલમાં અડધી સદી ફટકારેલી.

વિશ્વ કપમાં સૌથી વધારે સદી(૬) અને અડધી સદી(૨૧) ફટકારવાનો વિક્રમ સચિન રમેશ તેંડુલકરના નામે છે. જ્યારે એક વિશ્વકપમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ શ્રીલંકન બલ્લેબાજ કુમાર સાંગાકારાના નામે (૪ સદીનો), તો આવી જ રીતે એક વિશ્વકપની ટુર્નામેન્ટમાં સૌથી વધારે અડધી સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે બોલે છે.

વિશ્વકપની એક મેચમાં સૌથી વધારે રન ન્યુઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગપ્ટિલના નામે બોલે છે. ગત વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે તેણે ૨૩૭ રન જડી દીધા હતા.

ઘણી ઉપયોગી માહિતી છે. ગમે તો આપના મિત્રોને શેર કરી એને પણ અવગત કરાવજો!

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here