વિશ્વ વલ્લભદાસની ટિપ્પણી પર ભડક્યો દલિત સમાજ, સમર્થનમાં ઉતર્યા આ દિગ્ગજ સાંસદ-ધારાસભ્યો

0

સાધુ વિશ્વવલ્લભદાસ દ્વારા દલિત સમુદાય સામે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીમાં પોલીસે ફરિયાદ દાખલ ના કરતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ લેખિત ફરિયાદ કરી છે. જિગ્નેશ મેવાણીએ ફરિયાદ કરતા કહ્યું કે 7 દિવસમાં જો સાધુ વિશ્વવલ્લભદાસની ધરપકડ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સ્વામી વિશ્વ વલ્લભદાસની દલિત સમુદાય પર કરવામાં આવેલી અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીના વિડિયો બાદ ઊભા થયેલા રોષમાં દલિત સમુદાયના સંગઠનો, સામાજિક કાર્યકર્તાઑ, ધ્વારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ બાદ હવે સંસદ સભ્યો અને ધારાસભ્યોએ પણ સમાજ પ્રત્યે કરાયેલા અસંવૈધાનિક ટિપ્પણી પર સ્વામી વિશ્વવલ્લભ સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.

સ્વામી વિશ્વ વલ્લભદાસની ટિપ્પણી મુદ્દે અમદાવાદ-પશ્ચિમ બેઠક પરથી સાંસદ ડો.કિરીટ સોલંકીએ જણાવ્યું કે, દલિત સમાજ માટે એમણે જે શબ્દ વાપર્યો છે એ શબ્દ વાપરવામાં આવતો નથી, આટલા મોટા સંત હોવા છતાં એમણે વાપર્યો છે.

સ્વામીએ જે કર્યું છે એની હું નિંદા કરું છું. જ્યારે આ મુદ્દે અનુસુચિત જાતિ અનામત- અસારવા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પ્રદીપ પરમારે જણાવ્યુ કે, “આ મુદ્દે સરકારે ફરિયાદ કરવાનો આદેશ આપ્યો છે”.

જોકે, પ્રદીપ પરમારે જણાવેલ વાતનું સમર્થન જોવા મળ્યુ નથી કેમ કે 10 થી વધારે જગ્યાએ ફરિયાદ હોવા છતા એક પણ જગ્યાએ અત્યાર સુધી અઠવાડિયા પછી પણ ફરિયાદ દાખલ થઇ નથી. કોંગ્રેસ તરફથી દાણીલીમડા અનુસુચિત જાતિ અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ કે, “કાયદો બધા માટે સરખો હોય છે”.

કાયદો જ્યારે બધા માટે સરખો હોય, સરકારે એમાં એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહત્વના છે એટ્લે એક જાતિ એમની સાથે જોડાયેલી છે જેમાં સમાજની લાગણી જોડાયેલી હોય અને અમારી પણ લાગણી સંગઠનો સાથે જોડાયેલી છે.

દલિત સંગઠનોની માંગણી મુજબ સરકાર કાયદેસર રીતે કાર્યવાહી કરે. સ્વામી વિશ્વ વલ્લભદાસની દલિત સમાજ પર કરવામાં આવેલી આ મુદ્દે વ્યાપેલા રોષ બાદ અને ફરિયાદો બાદ પણ સ્વામી સામે ગુનો દાખલ ન થતાં દલિત સમાજમાં રોષ વધ્યો છે.

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા પ્રદર્શન ચાલુ છે તેમજ દલિત આગેવાનો પોત પોતાના વિસ્તારમાં સ્વામી વિશ્વવલ્લભ સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી રહ્યાં છે.

બે વખત દલિત સમાજના આગેવાનો પોલીસ ડીજીપી શિવાનંદ ઝાને પણ ગાંધીનગર ખાતે મુલાકાત લઇ ચુક્યા છે. છતાંય હજુ સુધી ફરિયાદ દાખલ થઇ નથી. જોકે, દલિત સમાજ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવે છે. સ્વામી વિશ્વ વલ્લભ સામે જો ત્વરીત કાર્યવાહી કરી એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ ના કરાય તો આખા રાજ્યમાં ધરણા પ્રદર્શન તેમજ આંદોલન થશે.

સ્વામી વિશ્વવલ્લભદાસ દ્વારા અનુસુચિત જાતિ સમુદાય ઉપર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ તથા સુધારા 2015ની કલમ IPC ની કલમ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-2000 હેઠળ DGP શિવાનંદ ઝાને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

સતત ચાર દિવસથી રાજ્યમાં દલિત સમુદાયમાં આક્રોશનું વાતાવરણ ઊભું કરનાર સ્વામી વિશ્વવલ્લભદાસની ટિપ્પણી મુદ્દે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ થઈને લગભગ 10 જેટલી લેખિત અરજીઓ ફરિયાદ માટે કરવામાં આવી છે.

આમ છતાં પોલીસ ધ્વારા ગુનો રજીસ્ટર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી જિગ્નેશ મેવાણી ગાંધીનગર આવ્યા હતા અને દલિત કાર્યકર્તાઓ સાથે મળીને ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી. સ્વામી વિશ્વવલ્લભદાસ ધ્વારા જાતિગત અપમાનજનક ટિપ્પણીમાં એટ્રોસીટી એક્ટ, IPC અને IT એક્ટ હેઠળ ગુનો બને છે જેના પુરાવા હોવા છતાં પોલીસ ધ્વારા ફરિયાદ દાખલ ન થતાં હવે દલિતો ના આત્મ સન્માનના મુદ્દે ધારાસભ્ય પણ લડી લેવાના મૂડમાં છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here